આદર્શ ગામ: નવી વાસણી
નવી વાસણી ગામના કુદરતી સૌંદર્યનો એક નજારો. |
નવી વાસણી, એટલે અરવલ્લી જિલ્લામાં વસેલું પ્રખ્યાત દીપેશ્વરી ધામ (ઉંટરડા) ને અડીને રહેલું, ત્રણેય બાજુએ માઝૂમની પવિત્ર નદીથી ઘેરાયેલું એક નાનકડું ગામ. હા, નાનકડું ગામ, જેમાં આશરે સો થી દોઢસો ઘર હશે. ઉપરાંત ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, સહકારી ડેરી, જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધાઓ માટેની ચાર પાંચ નાની દુકાનો, પાકા રસ્તા અને ગામના ચોકમાં પવિત્ર રામજી મંદિર તથા શોભા વધારતું દીપેશ્વરીમાતાનું મંદિર.
ગામનાં ચોકમાં આવેલી સહકારી ડેરીનું દ્રશ્ય |
|
ગામની મોટા ભાગની વસ્તી ભણેલા ગણેલા પટેલોની. એમાં પણ લગભગ નેવું ટકા વસ્તી 36 ગામ લેઉઆ પાટીદારની. ગામના લગભગ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને નાના મોટા ખેતીના લગતા વ્યવસાય.
મોટા ભાગના ગામના લોકો સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને દૂર સુધી પહોંચીને પણ મૂળને અડકીને રહેનારા સરળ લોકો. સામાજિક કાર્યક્રમોના અગ્ર રહેતા પ્રતિનિધિઓ અને એમની ટીમોની પ્રવૃત્તિઓ તથા અન્ય દ્વારા સામાજિક જાગૃતિના કાર્યક્રમો હોય કે મંદિરની દેખ રેખ રાખવાની કમિટીનાં પગલાં, દરેક કામ કાજ પોતાની ફરજ સમજીને ગામના મોભીઓ અને યુવાનો દ્વારા કરવામાં આવે.આ ઉપરાંત ઈમાનદારીથી પોતાની ફરજ બજાવતા એવા ગામનાં હાઈ કલાસ સરકારી અધિકારીઓ ગામનું નામ વધુ ઉંચાઈ સર કરાવી રાખે.
ગામમાં દરેક પ્રસંગ હળીમળીને ઉજવવામાં આવે, દરેક તહેવારનાં ઉજવણીનું આયોજન ગામના યુવાઓ દ્વારા ઉત્સાહ ભેર કરવામાં આવે ભલે પછી એ નવરાત્રીનાં ગરબા હોય કે દિવાળીનો ઉત્સવ, હોળી હોય કે ઉતરાયણ બધું સમાન ભાવે મનાવવામાં આવે. ગામના યુવાઓની હેપ્પી ક્લબની મોજ હોય કે ગામની ક્રિકેટ ટીમ, ગામનાં યુવાનો દરેક પ્રવૃત્તિમાં આગળ જોવા મળે. ગામમાં શૈક્ષણિક પ્રવૃતિઓથી લઈને ગામનાં યુવાનોનું સારી યુનિવર્સીટી અને સારા અભ્યાસક્રમોમાં પ્રવેશ દરેક બાબતે ગામનું નામ અગ્રેસર રહે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવવાની હોય કે ખેતીના કામકાજમાં હાથ મેળવવાનો હોય, ગામના યુવાનો ક્યાંય પાછા નાં પડે.
ગામનાં હેપ્પી ક્લબના મેમ્બેર્સ |
ખેલ કુદ કરતા બાળકો |
નોકરી વ્યવસાય અર્થે બહાર ગયેલા ગામના લોકો પણ ઉમળકાભેર ગામની પ્રવૃતિઓ અને તહેવારોમાં ભાગ લે. નોકરી ધંધા અર્થે ગામના લોકો અમદાવાદથી માંડીને દેશ વિદેશ સુધી ફેલાયેલા. બહાર વસેલા ગામનાં લોકો પણ સહપરિવાર ગામની મુલાકાત લેતા રહે અને સુખ દુઃખમાં ગામની સાથે રહે.
આ ઉપરાંત નવી વાસણી એટલે કુદરતે બક્ષીક્ષ આપેલું રળિયામણું ગામ. ત્રણ બાજુ નદીનું પરિસર. નદી કાંઠાનું મનોહર દ્રશ્ય, ચેકડેમમાં નાહવા જવાની મજા, લીલાછમ ખેતરોમાં પવન સાથે મલકાતો મબલક પાક વાસણી ગામમાં બધું મળી રહે.
ઉનાળે કાચી કેરીના આંબે ચડવાની મજા, બોરડીના મીઠા ખાટા બોર અને ગોરસ આંબલીના ચટાકા તો શિયાળે તાપણી કરીને બેસવાની રાજવી ટેવ. ચોમાસામાં ખેતરની માટીની ભીની મહેક તો બીજી બાજુ ખળખળ વહેતુ માઝૂમનું પાણી.
માઝૂમ નદીના કાંઠે આવેલો ચેકડેમ |
ગામમાં આજુ બાજુ નદી વિસ્તાર હોવાથી ગામનું ભૂજળ સમૃદ્ધ અને ગામ આખું ખેતીવાડી સંપન્ન. ગામમાં ઘણા સમૃદ્ધ અને ટેકનોલોજીથી ખેતી કરનારા ખેડૂતો. બટાકા ઉત્પાદન ક્ષેત્રનું એક અગ્રણી એવું ગામ એટલે વાસણી.
લીલીછમ હરિયાળી ઝરતા ખેતરો |
નાના, મોટા, વડીલો, વૃદ્ધો અને યુવાઓ થી હમેશા જીવંત અને કુદરતનો એહસાસ કરાવતું એવું ગામ એટલે મારું ગામ. નવી વાસણી. પશુ પંખીઓ નાં કલરવથી જેની દરેક સાંજ ગુંજે એનું નામ નવી વાસણી. આરતીનાં પવિત્ર સાદ સાંભળી નમસ્કાર કરવાનું મન કરવાનું સૌભાગ્ય મળે, એનું નામ નવી વાસણી. આખી નવરાત્રી ભલે ગમે ત્યાં કરો, પણ આઠમનું નિવેદ્ય ખાવા તો જવું જ પડે, એ નવી વાસણી અને ગામના લોકો ભલે ગમે ત્યાં રહે, ગમેં એટલું કમાય પણ અંતિમ સમયે જેની માટીમાં વિસરાય, એ પોતાનું ગામ....નવી વાસણી.
લેખન અને પબ્ધલીકેશન : ધવલ એ. પટેલ
ગામડાનાં જીવનની મજા માણતા યુવાનો |
ખેતરમાં બાળપણ |
વાંચો એક મજાની લવ સ્ટોરી જે વાંચીને તમે જ નક્કી કરો કે આ સ્ટોરી લવ સ્ટોરી છે કે અરેન્જ મેરિજની સ્ટોરી.
ગામડાની મજા
જવાબ આપોકાઢી નાખો